Tuesday, April 27, 2010

SAVE WATER

SAVE WATER, SAVE LIFE



તમારી પાસે પાણીનો એક ગ્લાસ હોય તો તમે શું કરશો? નહાશો કે પીશો? તમારે એક વિકલ્પ પસંદ કરવો પડશે. આ કલ્પના નથી, પરંતુ ભવિષ્યની કડવી સચ્ચાઈ છે. હવે પાણીનું મહાસંકટ ખડું થયું છે. જો આપણે તેને નહીં સમજીએ તો પંદર વર્ષમાં આજની સરખામણીએ અડધું જ પાણી મળશે અને ૪૦ વર્ષ પછી તો સ્થિતિ વધુ ખરાબ બનશે.



એક ગ્લાસ પાણીથી નહાવું પડશે!
ભારતમાં ૧૫ ટકા ભૂગર્ભ જળસ્રોત સુકાઈ જવાની સ્થિતિમાં છે. દુનિયામાં સૌથી વધુ લગભગ ૨૦ લાખ ટ્યૂબવેલ ભારતમાં છે, જે ધરતીને ચીરીને સતત પાણી ખેંચી રહ્યા છે. વિશ્વ બેન્કના અહેવાલ અનુસાર આગામી ૨૫ વર્ષમાં ભૂગર્ભ જળના ૬૦ ટકા સ્રોત ખતરનાક સ્થિતિએ પહોંચી જશે. ભારત માટે આ સ્થિતિ એટલા માટે દયાજનક બની જશે કે આપણી ૭૦ ટકા જરૂરિયાત ભૂગર્ભ જળસ્રોતોથી જ પૂરી થાય છે. કૃષિ અને ઉદ્યોગધંધા બરબાદ થઈ જશે, સાથે આપણી વસ્તીનો એક મોટો ભાગ પાણીના એક એક ટીપા માટે તરસ્યો રહેશે.

હવે તમારા મનમાં એ સવાલ થવો વાજબી છે કે અંતે આ સંકટ પેદા કેવી રીતે થયું? જળનિષ્ણાત રાજેન્દ્રસિંહ જણાવે છે કે કેટલાંક વર્ષ અગાઉ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આપણા ભૂગર્ભ જળભંડાર ક્યારેક ખાલી પણ થઈ શકે છે. અગાઉ તો થોડા ફૂટ ઊડે ખોદતાં જ પાણી મળી જતું હતું, પરંતુ થોડાં વર્ષમાં જ તેનો ઉપયોગ એટલો બધો વધી ગયો કે તે હવે ઘણી ઝડપથી ખાલી થઈ રહ્યા છે. આવનારાં કેટલાંક વર્ષમાં આ સાવ ખલાસ થઈ જાય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું નહીં હોય. તેનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે.



અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના રિપોર્ટ અનુસાર ૨૦૦૨થી ૨૦૦૮ દરમિયાન દેશના ભૂગર્ભ જળભંડારોમાંથી ૧૦૯ અબજ ક્યુબિક મીટર (એક ક્યુબિક મીટર = એક હજાર લિટર) પાણી ખલાસ થઈ ગયું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજીના એક અભ્યાસ અનુસાર ભારતના આર્થિક વિકાસની ગતિ વધવાની સાથે દેશમાં જળસંકટ પણ વધુ ગંભીર બનશે. ભારતમાં જીડીપીનો દરમાં વધારાની સાથે લોકોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. આધુનિક જીવનશૈલીના કારણે પાણીના વપરાશમાં વધારો થઈ રહ્યો છે.

આજે ભારતમાં વ્યક્તિદીઠ રોજની પાણીની માગ ૮૫ લિટર છે જે ૨૦૨૫ સુધી ૧૨૫ લિટર થઈ જશે. તે સમય સુધી ભારતની વસ્તી પણ વધીને એક અબજ ૩૮ કરોડ થઈ જશે. તેનાથી રોજની પાણીની માગમાં પણ કુલ ૭૯૦૦ કરોડ લિટરનો વધારો થઈ જશે. જેની સીધી અસર જળસંસાધનો પર પડશે. આ માગને પૂરી કરવા આપણે ભૂગર્ભ જળસ્રોતનો સહારો લેવો પડશે, જે પંદર વર્ષ પહેલાં જ ખલાસ થઈ ગયા હશે. એટલે કે લોકોની પાણીની માગ તો વધશે, પરંતુ આપણી સરકારો એટલું પાણી પૂરું પાડવાની સ્થિતિમાં નહીં હોય. આજે વ્યકિતદીઠ પાણીની ઉપલબ્ધિતા ૩૦૭૬ લિટર છે જે ત્યારે ઘટીને અડધાથી પણ ઓછી રહી જશે.

૧૮૦ કરોડ લોકો પાણી માટે વલખાં મારશે

વર્ષ ૨૦૨૫ સુધી દુનિયાની વસ્તી ૮ અબજ અને ૨૦૫૦ સુધી ૯ અબજને પાર કરી જશે. ‘યુએન વોટર’ કહે છે કે આવનારા પંદર વર્ષમાં દુનિયાના ૧૮૦ કરોડ લોકો એવા દેશોમાં રહેતા હશે, જયાં પાણી લગભગ સાવ ખલાસ થઈ ચૂકયું હશે. આ દેશોમાં ઘાના, કેન્યા, નામિબિયા સહિત આફ્રિકા અને એશિયાના દેશોની મોટી સંખ્યા હશે. અત્યારે દર છમાંથી એક વ્યકિંત પાણી માટે ઝઝૂમી રહી છે. તે સમયે બે તૃતીયાંશ એટલે કે સાડા પાંચ અબજ લોકો ભીષણ પાણીના જળસંકટનો સામનો કરતા હશે. શહેરીકરણની સમસ્યા વધુ જટિલ બની જશે. વિશ્વ બેન્કના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૦ સુધી દુનિયાની અડધી વસ્તી શહેરી વિસ્તારોમાં રહેતી હશે. શહેરની નવી વસ્તીને પહોંચાડવું એ એક કિઠન પડકાર હશે. દરરોજ એક લાખ લોકો મઘ્યમવર્ગમાં જોડાઈ રહ્યા છે. તેની પાણીની બગાડની ટેવોને કારણે પણ સંકટ વધુ ગંભીર બનશે.


ગ્લોબલ વોર્મિંગ અને જળસંકટ

વરસાદનું પ્રમાણ ઘટવાની સાથે વરસાદના દિવસોમાં પણ સતત ઘટાડો થશે. પરિણામે વરસાદથી મળતું પાણી ઘટશે અને જળના ભંડારનું સ્તર વધુ નીચે જશે. વર્ષાચક્રમાં પણ ગડબડ ઊભી થશે. ગરમીમાં વધારો થતાં બાષ્પીભવનની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. અત્યારે કુલ પાણીનો લગભગ ૨.૫ ટકા હિસ્સો પાણી વરાળ બનીને ઊડી જાય છે. ઇન્ટરનેશનલ હાઇડ્રોલોજિકલ પ્રોગ્રામનું અનુમાન છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે આવનારાં ૧૫ વર્ષમાં બાષ્પીભવનની ઝડપ આજની સરખામણીએ બમણી થઈ જશે.

બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બનવાને લીધે નદીઓ તથા અન્ય જળસ્રોતમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે. ગરમી વધવાથી ધ્રુવોનો બરફ ઝડપથી ઓગળશે. તેનાથી નુકસાન એ થશે કે આ મીઠું પાણી દરિયાના ખારા પાણીમાં ભળી જશે. આમ મીઠા પાણીના સ્રોત જે પહેલાંથી જ ઓછા છે તેમાં ઓર ઘટાડો થશે. એટલે એવું કહી શકાય કે આવનારો સમય ભારત સહિત દુનિયાના મોટા ભાગના દેશો માટે અત્યંત કપરો હશે. વધતી જતી વસ્તી, ભૂગર્ભ જળનો વધુપડતો ઉપયોગ, ગ્લોબલ વોર્મિંગ વગેરેના કારણે પાણી એવી ‘લકઝુરીયસ’ વસ્તુ બની જશે, જેનો ઉપયોગ એવી રીતે જ કરવો પડશે, જે રીતે આજે આપણે ઘીનો કરીએ છીએ.


સંકટ બન્યું મહાસંકટ

સંયુકત રાષ્ટ્રનાં જળવપરાશના ધોરણો અનુસાર પ્રત્યેક વ્યકિતને દરરોજ ઓછામાં ઓછું ૫૦ લિટર પાણી મળવું જોઈએ, પરંતુ સ્થિતિ તેના કરતાં ખરાબ છે. દુનિયામાં છમાંથી એક વ્યકિતને આટલું પાણી મળી શકતું નથી. એટલે કે ૮૯.૪ કરોડ લોકોએ અત્યંત ઓછા પાણીથી પોતાની તમામ જરૂરિયાતો પૂરી કરવી પડે છે. ભારતીય ધોરણો અનુસાર એક વ્યકિતને ઓછામાં ઓછું દરરોજ ૮૫ લિટર પાણી મળવું જોઈએ, પરંતુ આપણા દેશમાં ૩૦ ટકા લોકોની આ જરૂરિયાત પૂરી થતી નથી. તેમાંથી મોટા ભાગના લોકો ગ્રામવિસ્તારોમાં રહે છે, હવે શહેરોની સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે.

સબ-સહારા આફ્રિકી દેશોના અંતરિયાળ ગામોમાં તો લોકોને મહિનામાં ૧૦૦ લિટર પાણી પણ માંડ માંડ મળે છે. આ દેશોમાં પાણી પાછળનો ખર્ચ એકંદર ઘરગથ્થુ ઉત્પાદન (જીડીપી)ના પાંચ ટકા કરતાં પણ વધુ છે. નિષ્ણાતોની ધારણા છે કે આવનારાં વર્ષોમાં આ ખર્ચમાં વધારો થશે. આ તો આજની સ્થિતિ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે પાણીનું સંકટ હવે મહાસંકટમાં બની રહ્યું છે.


હિજરત વધી જશે

જળસંકટ વધવાને કારણે એક સમસ્યા લોકોના હિજરતના સ્વરૂપે સામે આવશે. કેટલાંય ક્ષેત્રોમાં પાણી સાવ ખલાસ થઈ જવાના કારણે જયાં પાણી મળતું હશે ત્યાં લોકો હિજરત કરી જશે. સંયુકત રાષ્ટ્ર અનુસાર ૨૦૩૦ સુધી ૭૦ કરોડ લોકોને પોતાનો વિસ્તાર છોડવા માટે મજબૂર થવું પડશે. હિજરતનો એક દુષ્પ્રભાવ એ પડશે કે આ લોકો જે વિસ્તારોમાં જશે ત્યાં આર્થિક અને સામાજિક સમસ્યાઓ પેદા થશે. એટલી હદ સુધી કે સ્થાનિક રહેવાસીઓ અને હિજરતીઓ વચ્ચે પાણીને કારણે સંઘર્ષ પણ થશે. જે દેશોમાં હિજરતીઓ જશે ત્યાંની અર્થવ્યવસ્થાનું ભારણ પણ વધશે.

સંઘર્ષ વધશે




આગામી વર્ષોમાં પાણીને લઈને સંઘર્ષ થશે એ નક્કી છે. કટારલેખક સ્ટીવન સોલોમને પોતાના પુસ્તક ‘વોટર’ માં નાઇલ નદીના જળસંસાધનને લઈને ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચેના વિવાદનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે દુનિયામાં સૌથી વિસ્ફોટક ક્ષેત્ર પિશ્ચમ એશિયામાં હવે પછીની લડાઈને પાણીને લીધે જ થશે. આ વિસ્તારોમાં ઇઝરાયલ, પેલેસ્ટાઇન, જોર્ડન અને સીરિયામાં દુર્લભ જળસંસાધનો પર નિયંત્રણને લઈને આંતરિક ચરુ સળગી રહ્યો છે, જે એક યુદ્ધના સ્વરૂપે બહાર આવી શકે છે. આ જ રીતે પાણીને લઈને ત્રીજા વિશ્વયુદ્ધની વાત પણ હકીકત બની શકે છે.

પાણી ખેંચવાની પ્રવૃત્તિ દોઢ ગણી વધી જશે

આગામી વર્ષોમાં પાણીની માગ અને પુરવઠા વચ્ચેનું અંતર સતત વધતું જશે. ભારતમાં અત્યારે પાણીની કુલ માગ ૭૦૦ ક્યુબિક કિલોમીટર છે, જ્યારે ઉપલબ્ધ પાણી ૫૫૦ કયુબિક કિલોમીટર જ છે. ૨૦૫૦માં માગ લગભગ બમણી થઈ જશે, જ્યારે ઉપલબ્ધિ ૧૦ ગણા કરતાં પણ ઓછી હશે. પાણીની માગમાં વધારો વસ્તીની સરખામણીએ ઘણો ઝડપી હશે. વર્ષ ૧૯૦૦ અને ૧૯૯૫ના ગાળામાં દુનિયાની વસ્તી ત્રણ ગણી વધી, પરંતુ પાણીનો વપરાશ છ ગણા કરતાં પણ વધુ થઈ ગયો.

‘યુએન વોટર’ના ૨૦૫૦ સુધીના અનુમાન અનુસાર વિકાસશીલ દેશોમાં પાણીનો વપરાશ ૫૦ ટકા અને વિકસિત દેશોમાં ૧૮ ટકા વધશે. વૈશ્વિક જળસંકટ નિષ્ણાત અને કાઉન્સિલ ઓફ કેનેડાના સભ્ય માઉથી બાર્લોએ પોતાના પુસ્તક ‘બ્લ્યૂ કવિનેન્ટ’માં લખ્યું છે કે,‘વર્ષ ૨૦૫૦ સુધી માનવીય વપરાશ માટેના પાણીના પુરવઠામાં ૮૦ ટકાનો વધારો કરવો પડશે. સવાલ એ છે કે આટલું પાણી આવશે કયાંથી?’ પાણીનો પુરવઠો વધારવા માટે વધુ પાણી જમીનમાંથી ખેંચવું જ પડશે. એટલે કે છેવટે જળસંકટ વધુ ગંભીર બનશે.



ત્યારે આપણું શું થશે?

૨૦૨૦ સુધી દુનિયાની અડધી વસ્તી શહેરી વિસ્તારોમાં રહેતી હશે. જો આ રીતે જ પાણીનો ઉપયોગ કરતા રહીશું તો મોટા ભાગના જળસ્રોત સુકાઈ ગયા હશે.

વિશ્વ બેન્ક અનુસાર ૨૦૨૦ સુધી ભારતમાં પાણીની ઉપલબ્ધતા ૩૮૦ ક્યુબિક કિલોમીટર વાર્ષિક રહેશે, જ્યારે માગ ૮૧૦ કયુબિક કિલોમીટર થઈ જશે.

પડોશમાં સ્થિતિ વધુ ખરાબ

આપણા પડોશમાં પણ સ્થિતિ સારી નથી. ૬૦ વર્ષ પહેલાં પાકિસ્તાનમાં વ્યકિતદીઠ ૫૦૦૦ કયુબિક મીટર પાણી મળતું હતું, જે હવે ઘટીને વ્યકિતદીઠ ૧૫૦૦ કયુબિક મીટર થઈ ગયું છે.આવનારા ૧૦ વર્ષમાં તેમાં વધુ ૫૦ ટકાનો ઘટાડો થશે. પાકિસ્તાનમાં ૯૦ ટકા પાણીનો ઉપયોગ સિંચાઈમાં થાય છે. ભારતની જેમ ત્યાં પણ સિંચાઈ માટે પાણીની માગને પૂરી કરવા માટે ભૂગર્ભ જળભંડારના ઉપયોગમાં વધારો થયો છે. તેનાથી ભૂગર્ભ જળના સ્તરમાં ઝડપથી ઘટાડો થયો છે. લાહોરમાં ક્યારેક કેટલાક હાથ ઊડે જ પાણી મળતું હતું, હવે તે ૬૦ ફૂટ કરતાં પણ નીચે જતું રહ્યું છે.

દેશની જીવનરેખા સિંધુ નદીના પ્રવાહમાં પણ ઘટાડો નોંધાયો છે. એવી આશંકા પણ વ્યક્ત કરાઈ છે કે આવનારાં વર્ષોમાં તે બિલકુલ ખાલી થઈ જશે. અફઘાનિસ્તાનમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. સંયુક્ત રાષ્ટ્રીય ચેતવણી આપી છે કે પાણીની અછતને કારણે ૨૫ લાખ કરતાં પણ વધુ અફઘાન નાગરિકોના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે. દેશમાં ૩૬ લાખ કરતાં વધુ કૂવા સુકાઈ ગયા છે અને આ કારણે પાણીના પુરવઠામાં ૮૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

source : http://www.divyabhaskar.co.in

No comments:

Post a Comment